ડિજિટલ એપ-આધારિત પ્લેટફોર્મ કંપનીઓ દ્વારા ફિલ્ડ પર કામ કરતા મહેનતકશ ગિગ વર્કર્સ અને ડિલિવરી રાઇડર્સનું ગંભીર આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ‘રેપિડો’ (Rapido) કંપનીની અન્યાયી નીતિઓ, ખામીયુક્ત જીપીએસ ટ્રેકિંગ અને રાઇડર્સનું મહેનતાણું અટકાવવા સામે હ્યુમન રાઇટ્સ ફેડરેશન દ્વારા માનનીય શ્રમ આયુક્તશ્રી (Labour Commissioner), ગુજરાત રાજ્યને સત્તાવાર ઈમેલ દ્વારા આવેદનપત્ર પાઠવી કડક તપાસની માંગ કરવામાં આવી છે. આ આવેદનપત્રની નકલ માનનીય મુખ્યમંત્રીશ્રી કાર્યાલય (CMO) ને પણ યોગ્ય કાર્યવાહી અર્થે મોકલવામાં આવી છે.
હ્યુમન રાઇટ્સ ફેડરેશનના પ્રેસિડેન્ટ મહેન્દ્ર આયલાણી દ્વારા રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, રાઇડર્સ પોતાના સ્વખર્ચે વાહનમાં પેટ્રોલ ભરાવીને ૧ કિલોમીટરથી વધુ અંતર કાપી પિકઅપ પોઇન્ટ પર પહોંચે છે, છતાં કંપનીની જીપીએસ સિસ્ટમ ટેકનિકલ ખામીના લીધે માત્ર ૧૦૦ મીટર દર્શાવે છે. કંપનીના નિયમો પૂરા હોવા છતાં સિસ્ટમની ખામીનો ભોગ રાઇડરને બનાવી યોગ્ય કેન્સલેશન ફી કે મહેનતાણું ચૂકવવાનો સ્પષ્ટ ઇનકાર કરવામાં આવે છે.
આ ઉપરાંત ગ્રાહકો વારંવાર રાઇડ બુક કરીને રદ કરે છે, જેનાથી રાઇડરનો સમય અને મોંઘા ભાવનું પેટ્રોલ વેડફાય છે. કંપની ગ્રાહક પર કાર્યવાહી કરવાને બદલે રાઇડરને નુકસાનમાં ધકેલે છે અને કસ્ટમર સપોર્ટ સ્ટાફ દ્વારા અસંવેદનશીલ જવાબો આપીને ફોન કાપી નાખવામાં આવે છે.
ફેડરેશનની મુખ્ય માંગણીઓ:
રાઇડર્સ માટે તાત્કાલિક પારદર્શક અને વાજબી કેન્સલેશન વળતર નીતિ લાગુ કરવામાં આવે.
કંપનીની જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમની સરકારી અને ટેકનિકલ સ્તરે તટસ્થ તપાસ કરવામાં આવે.
ગિગ વર્કર્સના શ્રમ અધિકારો અને સુરક્ષા માટે કડક સરકારી નિયમાવલી બનાવવામાં આવે.
જો શ્રમ વિભાગ દ્વારા આ કંપનીઓ સામે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે, તો હ્યુમન રાઇટ્સ ફેડરેશન દ્વારા ગિગ વર્કર્સના હિતમાં રાજ્યવ્યાપી આંદોલન છેડવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે.
26 Oct 2026
રેપિડો (Rapido) કંપની દ્વારા ગિગ વર્કર્સના આર્થિક શોષણ સામે હ્યુમન રાઇટ્સ ફેડરેશન મેદાને: શ્રમ આયુક્ત અને મુખ્યમંત્રી કાર્યાલય (CMO) ને પાઠવાયું આવેદનપત્ર