રાજ્યપાલશ્રી, મુખ્ય સચિવ, ગૃહ વિભાગ અને પોલીસ વડાને સત્તાવાર પત્ર પાઠવી બોનસ/પ્રોત્સાહક રકમ મંજૂર કરવા રજૂઆત કરાઈ
તહેવારોમાં ખડેપગે રહેતા જવાનો પણ પરિવાર સાથે ઉત્સાહથી દિવાળી ઉજવી શકે તે માટે સરકારે સંવેદનશીલ અભિગમ દાખવવો જરૂરી
ગાંધીનગર / ગુજરાત:
ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા, જાહેર શાંતિ, ટ્રાફિક નિયમન તેમજ તહેવારો અને બંદોબસ્તની કામગીરીમાં પોલીસ પ્રશાસન સાથે ખભેખભા મિલાવીને ફરજ બજાવતા ગ્રામ રક્ષક દળ (GRD) અને ટ્રાફિક બ્રિગેડ (TRB) ના માનદ જવાનોના હિતમાં 'હ્યુમન રાઈટ્સ ફેડરેશન' દ્વારા રાજ્ય સરકાર તેમજ માનનીય રાજ્યપાલશ્રી સમક્ષ બોનસ મંજૂર કરવાની માંગણી મૂકવામાં આવી છે.
હ્યુમન રાઈટ્સ ફેડરેશનના પ્રમુખ મહેન્દ્ર આયલાણી દ્વારા ગુજરાતના માનનીય રાજ્યપાલશ્રી (રાજભવન), મુખ્ય સચિવ (Chief Secretary), અધિક મુખ્ય સચિવશ્રી - ગૃહ વિભાગ (ACS Home), પોલીસ મહાનિર્દેશકશ્રી (DGP) તેમજ તમામ મહાનગરોના પોલીસ કમિશનરશ્રીઓ અને તમામ રેન્જના આઈ.જી./ડી.આઈ.જી.શ્રીઓને સત્તાવાર રજૂઆત મોકલવામાં આવી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે, ગામડાંના છેવાડાથી લઈને મહાનગરોના વ્યસ્ત ચાર રસ્તાઓ સુધી, કાળઝાળ ગરમી, ધોધમાર વરસાદ કે કડકડતી ઠંડીની પરવા કર્યા વગર GRD અને TRB ના જવાનો પોતાના પરિવારોથી દૂર રહીને પ્રજા અને પ્રશાસનની સુરક્ષા કાજે સમર્પિત રહે છે. ખૂબ જ મર્યાદિત માનદ વેતનમાં સેવા આપતા આ જવાનો કાયદો-વ્યવસ્થાની પાયાની કડી છે.
રાજ્ય સરકાર દ્વારા વર્ગ-૪ ના તમામ સરકારી કર્મચારીઓ અને બોર્ડ-નિગમના સ્ટાફને દિવાળી બોનસ અને વિશેષ લાભો આપવામાં આવે છે, ત્યારે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા આ હજારો જવાનો અને તેમના પરિવારો પણ દિવાળીનું પર્વ ખુશી અને ઉલ્લાસ સાથે ઉજવી શકે તે માટે સરકારે માનવીય અભિગમ દાખવીને દિવાળી બોનસ / એક્સ-ગ્રેશિયા પ્રોત્સાહક સહાય તહેવાર પહેલાં સીધી તેમના બેંક ખાતામાં જમા કરવી જોઈએ.
હ્યુમન રાઈટ્સ ફેડરેશને રાજ્યના બંધારણીય વડા મહામહિમ રાજ્યપાલશ્રી તેમજ વહીવટી તંત્ર સમક્ષ આ સંવેદનશીલ બાબતે તાકીદે હકારાત્મક નિર્ણય લઈ જવાનોના હિતમાં આદેશ જારી કરવા ભારપૂર્વક અપીલ કરી છે.
હ્યુમન રાઈટ્સ ફેડરેશન (Human Rights Federation)
સંપર્ક: +91 8160602247
Email: President@thehumanrights.in
24 Oct 2026
GRD અને TRB જવાનોને દિવાળી બોનસ આપવા હ્યુમન રાઈટ્સ ફેડરેશનની રાજ્યપાલ, મુખ્ય સચિવ અને ડીજીપી સમક્ષ ધારદાર રજૂઆત