અમદાવાદ, તા. 20 નવેમ્બર 2026
TAT-HS પરીક્ષાના પરિણામ અને મૂલ્યાંકન પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા તેમજ ઉમેદવારોને ન્યાય મળે તે હેતુથી હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA) દ્વારા અમદાવાદના માનનીય જિલ્લા કલેક્ટરશ્રી સમક્ષ સત્તાવાર આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું.
હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA) ના ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ મહેન્દ્ર આયલાણી દ્વારા કરવામાં આવેલી આ રજૂઆતમાં મોનિકાબેન, ચંદ્રકલાબેન, એકતાબેન અને રેખાબેનનાં નામનો પણ આવેદનપત્રમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
આવેદનપત્રમાં TAT-HS પરીક્ષાના પરિણામ અને મૂલ્યાંકન પદ્ધતિ અંગે ઉમેદવારોમાં જોવા મળતા પ્રશ્નો તથા અસંતોષને ધ્યાનમાં રાખીને પાંચ મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી હતી.
મુખ્ય પાંચ માંગણીઓ:
1. પેપર-1 અને પેપર-2ના ગુણ અલગ-અલગ જાહેર કરવામાં આવે.
2. તમામ ઉમેદવારોને તેમની ઉત્તરવહીની નકલ ઉપલબ્ધ કરાવવામાં આવે.
3. ગુણની ગણતરીમાં ચોકસાઈ રાખવામાં આવે અને મૂલ્યાંકન સંબંધિત ભૂલો સુધારવાની તક આપવામાં આવે.
4. કોઈપણ સંજોગોમાં TAT-HS પરીક્ષા રદ કરવામાં ન આવે અને અનિયમિતતા જણાય તો યોગ્ય તપાસ કરવામાં આવે.
5. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉમેદવારોની ઉત્તરવહીઓનું રી-એસેસમેન્ટ (પુનઃમૂલ્યાંકન) કરવાની મંજૂરી આપવામાં આવે.
આવેદનપત્રની નકલ માનનીય મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્યને પણ જાણ તથા જરૂરી કાર્યવાહી અર્થે મોકલવામાં આવી છે.
હ્યુમન રાઈટ્સ ફેડરેશનનું સ્પષ્ટ વલણ છે કે કોઈપણ ઉમેદવાર સાથે અન્યાય થવો જોઈએ નહીં. પરીક્ષાની મૂલ્યાંકન પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા હોવી જોઈએ અને લાયક ઉમેદવારોને તેમના હક મુજબ ન્યાય મળવો જોઈએ.
ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ મહેન્દ્ર આયલાણીએ જણાવ્યું હતું કે TAT-HS ઉમેદવારોના હિત અને ન્યાય માટે હ્યુમન રાઈટ્સ ફેડરેશન સતત લડત આપશે અને જરૂર પડ્યે ઉચ્ચ સ્તર સુધી રજૂઆતો કરવામાં આવશે.
હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA)
મહેન્દ્ર આયલાણી
ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ
20 Nov 2026
TAT-HS ઉમેદવારોના ન્યાય માટે હ્યુમન રાઈટ્સ ફેડરેશન મેદાનમાં: અમદાવાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રી-એસેસમેન્ટ સહિત પાંચ માંગણીઓ રજૂ કરી