ખંભાત/વિંછીયા, તા. 18 નવેમ્બર 2026

TAT-HS પરીક્ષાના પરિણામ અને મૂલ્યાંકન પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા તથા હજારો ઉમેદવારોના હિતોનું રક્ષણ કરવા માટે હ્યુમન રાઈટ્સ ફેડરેશન દ્વારા આજે ગુજરાતમાં બે અલગ-અલગ સ્થળોએ આવેદનપત્રો સુપરત કરી ઉમેદવારોના પ્રશ્નોને વાચા આપવામાં આવી હતી.

ફેડરેશન દ્વારા પ્રથમ આવેદનપત્ર મામલતદારશ્રી, ખંભાત તાલુકા, જિલ્લા આણંદને TAT-HSના ઉમેદવાર સંજયભાઈ પટેલ દ્વારા સુપરત કરવામાં આવ્યું હતું. જ્યારે બીજું આવેદનપત્ર મામલતદારશ્રી, વિંછીયા તાલુકા, જિલ્લા રાજકોટ ખાતે સુપરત કરવામાં આવ્યું હતું.

ફેડરેશનની પાંચ મુખ્ય માંગણીઓ

1. ગુણની સ્પષ્ટતા: પેપર-1 અને પેપર-2ના ગુણ અલગ-અલગ જાહેર કરવામાં આવે તથા બંને પેપરના કુલ ગુણની સ્પષ્ટ વિગતો આપવામાં આવે.

2. ઉત્તરવહીની નકલ: પારદર્શિતા જાળવવા માટે તમામ ઉમેદવારોને તેમની ઉત્તરવહીની નકલ ઉપલબ્ધ કરાવવામાં આવે.

3. મૂલ્યાંકનમાં ચોકસાઈ: ગુણની ગણતરીમાં ચોકસાઈ રાખવામાં આવે અને મૂલ્યાંકન સંબંધિત ભૂલો સામે યોગ્ય રજૂઆત કરવાની તક આપવામાં આવે.

4. પરીક્ષા રદ ન થાય: કોઈપણ સંજોગોમાં TAT-HS પરીક્ષા રદ કરવામાં ન આવે. જો કોઈ ક્ષતિ કે અનિયમિતતા જણાય તો તેની ઝીણવટપૂર્વક તપાસ કરી યોગ્ય સુધારા સાથે કાર્યવાહી કરવામાં આવે.

5. રિ-એસેસમેન્ટની મંજૂરી: ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડને ઉત્તરવહીઓનું રિ-એસેસમેન્ટ (પુનઃમૂલ્યાંકન) કરવાની મંજૂરી આપવામાં આવે, જેથી મૂલ્યાંકનમાં થયેલી સંભવિત ભૂલો સુધારી ઉમેદવારોને યોગ્ય ગુણ મળી શકે.

મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચાડી ઉમેદવારોની માંગણીઓ

આ બંને આવેદનપત્રોની નકલ માનનીય મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, સ્વર્ણિમ સંકુલ, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી કાર્યાલય (CMO) માટે પણ રવાના કરવામાં આવી છે, જેથી રાજ્ય સરકારનું ધ્યાન આ ગંભીર પ્રશ્ન તરફ દોરવામાં આવે.

હ્યુમન રાઈટ્સ ફેડરેશનનું સ્પષ્ટ માનવું છે કે TAT-HS પરીક્ષાના ઉમેદવારોનું ભવિષ્ય દાવ પર છે. તેથી સંબંધિત વિભાગ અને રાજ્ય સરકારે ઉમેદવારોની માંગણીઓ પ્રત્યે ગંભીરતાથી વિચારણા કરી પારદર્શક અને ન્યાયસંગત નિર્ણય લેવો જોઈએ.

વિદ્યાર્થીઓના અધિકાર અને ન્યાય માટે હ્યુમન રાઈટ્સ ફેડરેશનની રજૂઆત અને લડત સતત ચાલુ રહેશે.

મહેન્દ્ર આયલાણી
International President
Human Rights Federation