ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં લાંબા સમયથી બાકી રહેલી TET-2 પરીક્ષાનું વહેલી તકે આયોજન કરવામાં આવે અને પરીક્ષાનું સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે હ્યુમન રાઇટ્સ ફેડરેશન (USA) દ્વારા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના અગ્ર સચિવશ્રીને સત્તાવાર ઈ-મેઇલ મારફતે રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતની નકલ ગુજરાતના માનનીય રાજ્યપાલશ્રીને પણ મોકલવામાં આવી છે.

ફેડરેશનના પ્રમુખ મહેન્દ્ર આયલાણીએ રજૂઆતમાં જણાવ્યું છે કે ગુજરાતમાં ધોરણ 6થી 8માં શિક્ષક બનવા માટેની પાત્રતા કસોટી TET-2ની છેલ્લી પરીક્ષા વર્ષ 2023માં યોજાઈ હતી. ત્યારબાદ નવી પરીક્ષાનું આયોજન ન થતાં હજારો ઉમેદવારો લાંબા સમયથી પરીક્ષાની રાહ જોઈ રહ્યા છે.

બીજી તરફ TET-1ની પરીક્ષા વર્ષ 2025માં યોજાઈ ચૂકી છે. ત્યારે લાંબા સમયથી બાકી રહેલી TET-2 પરીક્ષાને પ્રાથમિકતા આપીને પહેલાં TET-2 અને ત્યારબાદ TET-1 પરીક્ષાનું આયોજન કરવામાં આવે તેવી ઉમેદવારોની માંગણીને ફેડરેશન દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.

ફેડરેશન દ્વારા શિક્ષણ વિભાગ સમક્ષ TET-2 પરીક્ષાનું આયોજન, સત્તાવાર નોટિફિકેશનની વહેલી જાહેરાત, પરીક્ષાના સંભવિત સમયગાળાની સ્પષ્ટતા અને ઉમેદવારોના હિતમાં યોગ્ય નિર્ણય લેવાની માંગ કરવામાં આવી છે.

હ્યુમન રાઇટ્સ ફેડરેશનનું કહેવું છે કે પરીક્ષાની અનિશ્ચિતતાને કારણે લાંબા સમયથી તૈયારી કરી રહેલા ઉમેદવારોના ભવિષ્ય અને રોજગારીની તકો પર અસર થઈ રહી છે. આથી સરકાર આ મુદ્દે ગંભીરતાથી વિચારણા કરી વહેલી તકે હકારાત્મક નિર્ણય લે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

મહેન્દ્ર આયલાણી
International President
Human Rights Federation (USA)