​તાજેતરમાં લેવાયેલી TAT HS (Higher Secondary) પરીક્ષાના પરિણામો અને મૂલ્યાંકન પદ્ધતિમાં રહેલી વિસંગતતાઓને લઈને હજારો શિક્ષક ઉમેદવારોના ભવિષ્ય પર સવાલો ઊભા થયા છે. આ ગંભીર મુદ્દે ઉમેદવારોના હિતોના રક્ષણ માટે હ્યુમન રાઇટ્સ ફેડરેશન (USA) ના ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ મહેન્દ્ર આયલાણી (Mahendra Ayalani) દ્વારા ગુજરાત રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરશ્રીઓને એકસાથે સત્તાવાર ઇમેઇલ મારફતે આવેદનપત્ર પાઠવી ન્યાય અપાવવા બુલંદ માંગ કરવામાં આવી છે.
​આવેદનપત્રમાં હ્યુમન રાઇટ્સ ફેડરેશન દ્વારા નીચે મુજબની ચાર મુખ્ય માંગણીઓ મૂકવામાં આવી છે:
​૧. અલગ-અલગ ગુણ જાહેર કરવા: પેપર-૧ અને પેપર-૨ ના ગુણ અલગથી જાહેર કરવામાં આવે અને બંને પેપરના કુલ ગુણોની સ્પષ્ટ વિગત આપવામાં આવે.
૨. ઉત્તરવહીની નકલ: પરીક્ષાના મૂલ્યાંકનમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે ઉમેદવારોને તેમની ઉત્તરવહીની નકલ ઉપલબ્ધ કરાવવામાં આવે.
૩. ભૂલ સુધારણાની તક: ગુણની ગણતરીમાં સંપૂર્ણ સચોટતા રાખવામાં આવે અને મૂલ્યાંકન સંબંધિત ભૂલો સામે ઉમેદવારોને યોગ્ય રજૂઆત કરવાની તક આપવામાં આવે.
૪. પરીક્ષા રદ ન કરવી: કોઈ પણ સંજોગોમાં TAT HS પરીક્ષા રદ કરવામાં ન આવે. જો કોઈ ક્ષતિ કે અનિયમિતતા જણાય, તો તેની ઊંડી તપાસ કરી યોગ્ય સુધારા સાથે કાર્યવાહી કરવામાં આવે, જેથી મહેનતુ ઉમેદવારોની મહેનત સાર્થક થાય અને હજારો ઉમેદવારોને ન્યાય મળે.
​નકલ રવાના:
આ આવેદનપત્રની નકલ આગળની યોગ્ય કાર્યવાહી અર્થે માનનીય મુખ્યમંત્રીશ્રી (ગુજરાત રાજ્ય, ગાંધીનગર) તથા રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) ને પણ સત્તાવાર રીતે રવાના કરવામાં આવી છે.