રાજકોટ જિલ્લાના ગ્રામ રક્ષક દળ (GRD)ના જવાનોનો ઓક્ટોબર માસનો પગાર હજુ સુધી ચૂકવવામાં આવ્યો ન હોવાની ગંભીર બાબત સામે આવી છે. તહેવારોના સમયગાળા દરમિયાન પણ જવાનોને પગાર ન મળતાં તેમના પરિવારોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આ બાબતને ગંભીરતાથી લઈને હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA) દ્વારા રાજકોટ રેન્જના આઈ.જી.પી. શ્રી નિર્લિપ્ત રાય સાહેબને વોટ્સએપ મારફતે સત્તાવાર આવેદનપત્ર મોકલી રજૂઆત કરવામાં આવી છે.
સંસ્થાએ રજૂઆતમાં માંગ કરી છે કે રાજકોટ જિલ્લાના GRD જવાનોનો ઓક્ટોબર માસનો બાકી પગાર તાત્કાલિક ચૂકવવામાં આવે, પગાર વિલંબનું કારણ તપાસવામાં આવે અને ભવિષ્યમાં દર મહિને સમયસર પગાર મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે.
GRDના જવાનો પોલીસ તંત્ર સાથે ખભેખભા મિલાવીને જનતાની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની કામગીરીમાં પોતાની ફરજ નિભાવે છે. આવા જવાનોને પોતાના મહેનતના વળતર માટે રાહ જોવી પડે તે ચિંતાજનક બાબત છે.
હ્યુમન રાઈટ્સ ફેડરેશનનું સ્પષ્ટ વલણ છે કે જવાનોના હકો અને તેમના પરિવારના જીવનનિર્વાહ સાથે જોડાયેલા પ્રશ્નોને અવગણવા જોઈએ નહીં.
સંસ્થાને આશા છે કે આઈ.જી.પી. સાહેબ આ બાબતે તાત્કાલિક હસ્તક્ષેપ કરી GRD જવાનોને રાહત અપાવશે.
11 Nov 2026
રાજકોટ જિલ્લાના GRD જવાનોના બાકી પગાર મુદ્દે હ્યુમન રાઈટ્સ ફેડરેશન મેદાનમાં આઈ.જી.પી. નિર્લિપ્ત રાય સાહેબને ઓક્ટોબર માસનો બાકી પગાર ચૂકવવા તાત્કાલિક રજૂઆત