ગુજરાત, તા. ૦૮ નવેમ્બર ૨૦૨૬

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા આયોજિત TAT (HS) Mains – 2026 ની પરીક્ષાના જાહેર થયેલા પરિણામમાં જોવા મળેલી ગંભીર વિસંગતતાઓ અને મૂલ્યાંકન પ્રક્રિયા અંગે ઊભા થયેલા પ્રશ્નોને લઈને હ્યુમન રાઇટ્સ ફેડરેશન ઇન્ક. દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ સત્તાવાર રજૂઆત કરવામાં આવી છે.

હ્યુમન રાઇટ્સ ફેડરેશનના પ્રમુખ શ્રી મહેન્દ્ર આયલાણી દ્વારા ભારત સરકારના કેબિનેટ સેક્રેટરીશ્રી તથા કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ જોશીજીને આવેદનપત્ર પાઠવી આ સમગ્ર મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અને હજારો શિક્ષક ઉમેદવારોને ન્યાય અપાવવા માંગ કરવામાં આવી છે.

આ પરીક્ષામાં ૫૦,૦૦૦થી વધુ ઉમેદવારોના ભવિષ્યનો પ્રશ્ન જોડાયેલો છે. પરિણામ અને મૂલ્યાંકન પદ્ધતિ અંગે ઉમેદવારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. વર્ષોની મહેનત અને તૈયારી બાદ પણ પરિણામમાં પારદર્શિતાના અભાવ અંગે અનેક સવાલો ઊભા થયા છે.

⚖️ ફેડરેશનની બે મુખ્ય માંગણીઓ:

૧. MCQ, રિસ્પોન્સ શીટ અને આન્સર-કી જાહેર કરવામાં આવે.

સત્તાવાર પોર્ટલ પર પ્રશ્નપત્ર (MCQs), પ્રોવિઝનલ આન્સર-કી તથા દરેક ઉમેદવારની રિસ્પોન્સ શીટ તાત્કાલિક જાહેર કરવામાં આવે. સાથે જ ઉમેદવારોને પ્રશ્નો સામે વાંધા રજૂ કરવા માટે ઓબ્જેક્શન ટ્રેકરની સુવિધા આપવામાં આવે.

૨. સ્વતંત્ર તજજ્ઞ સમિતિ દ્વારા ફરજિયાત પુનઃચકાસણી કરવામાં આવે.

સમગ્ર પરિણામનું તટસ્થ અને પારદર્શક રીતે પુનઃ મૂલ્યાંકન (Re-checking) કરવામાં આવે. તમામ ઉમેદવારોને તેમની મૂળ ઉત્તરવહીઓની પ્રમાણિત નકલ (Certified Copy/OMR) ઉપલબ્ધ કરાવવામાં આવે તથા પરીક્ષા સંબંધિત તમામ રેકોર્ડ સુરક્ષિત રાખવામાં આવે.

✊ ન્યાય નહીં મળે તો હાઈકોર્ટ સુધી લડત લડીશું!

ફેડરેશનના પ્રમુખ શ્રી મહેન્દ્ર આયલાણીએ જણાવ્યું હતું કે, શિક્ષક બનવા માટે વર્ષો સુધી મહેનત કરતા યુવાનોના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનો અન્યાય ચલાવી લેવામાં આવશે નહીં. પરીક્ષાની મૂલ્યાંકન પ્રક્રિયા પારદર્શક હોવી એ દરેક ઉમેદવારનો અધિકાર છે.

જો સંબંધિત વહીવટી તંત્ર દ્વારા ઉમેદવારોની માંગણીઓ અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો હ્યુમન રાઇટ્સ ફેડરેશન ઉમેદવારોના ન્યાય અને અધિકારો માટે ન્યાયતંત્ર એટલે કે ગુજરાત હાઈકોર્ટ સુધી કાયદેસરની લડત આપવા કટિબદ્ધ છે.

ફેડરેશન દ્વારા રાજ્યના તમામ TAT (HS) 2026 ના ઉમેદવારોને એકજૂથ થઈને આ ન્યાયની લડતમાં સહભાગી બનવા અને આ અવાજને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા અપીલ કરવામાં આવી છે.

"પરીક્ષામાં પારદર્શિતા એ ઉમેદવારોનો અધિકાર છે, કોઈ ઉપકાર નહીં. હજારો યુવાનોના ભવિષ્ય સાથે અન્યાય નહીં ચાલે!"

મહેન્દ્ર આયલાણી
પ્રમુખ
હ્યુમન રાઇટ્સ ફેડરેશન ઇન્ક. (USA)