ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસ તંત્ર સાથે ખભેખભો મિલાવીને દિવસ-રાત ફરજ બજાવતા ગ્રામ રક્ષક દળ (GRD) ના જવાનોના બાકી રહેલા માનદવેતન મુદ્દે હ્યુમન રાઇટ્સ ફેડરેશન દ્વારા રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) શ્રી સમક્ષ સત્તાવાર આભારપત્ર અને રજૂઆત મોકલવામાં આવી છે.
​હ્યુમન રાઇટ્સ ફેડરેશન દ્વારા અગાઉ કરવામાં આવેલી રજૂઆતોને સંવેદનશીલતાથી ધ્યાને રાખીને, દિવાળીના પાવન પર્વ પહેલાં રાજ્યના અડધાથી વધુ જિલ્લાઓ અને તાલુકાઓમાં GRD જવાનોના ૧૦મા મહિનાના માનદવેતનની ચૂકવણીના હુકમો કરવામાં આવ્યા છે. તહેવારના ટાણે જવાનો અને તેમના પરિવારોમાં ખુશી લાવવા બદલ સંસ્થા દ્વારા રાજ્યના ડીજીપી સાહેબનો પત્ર લખીને હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો છે.
​આ સાથે સંસ્થા દ્વારા મોકલાયેલા પત્રમાં વિશેષ ભારપૂર્વક ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, રાજ્યના કેટલાક જિલ્લાઓ અને તાલુકાઓમાં હજુ પણ જવાનોનો પગાર જમા થવાનો બાકી છે. દિવાળીના તહેવારની ઉજવણી તમામ જવાનો પોતાના પરિવાર સાથે ઉત્સાહભેર કરી શકે તે હેતુથી, બાકી રહેલા તમામ વિસ્તારોમાં પણ વહેલી તકે પગાર જમા થાય તે માટે તાત્કાલિક યોગ્ય આદેશો આપવા વિનંતી કરાઈ છે.
​હ્યુમન રાઇટ્સ ફેડરેશને જણાવ્યું છે કે સંસ્થા હંમેશાં જવાનોના હક, ન્યાય અને કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ અને કટિબદ્ધ રહેશે.