ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ તથા વિવિધ આપત્તિઓ અને તહેવારોમાં પોલીસ વિભાગની સાથે ખભેથી ખભો મિલાવીને નિષ્ઠાપૂર્વક સેવાઓ આપતા ગ્રામ રક્ષક દળ (GRD) અને અન્ય સંકળાયેલા ફિલ્ડ સ્ટાફના જવાનોની ગંભીર સમસ્યાઓને લઈને હ્યુમન રાઈટ્સ ફેડરેશન (Human Rights Federation) દ્વારા મોટું પગલું ભરવામાં આવ્યું છે. સંસ્થાના અંતરરાષ્ટ્રીય પ્રમુખ મહેન્દ્ર આયલાણી દ્વારા ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી સમક્ષ સત્તાવાર લેખિત રજૂઆત કરવામાં આવી છે.
વર્તમાન મોંઘવારીના સમયમાં GRD જવાનોને માત્ર દૈનિક અલ્પ માનદ વેતન ચૂકવવામાં આવે છે. આ નજીવા વેતનમાં પરિવારનું ગુજરાન ચલાવવું અત્યંત મુશ્કેલ છે, તેમાંય વળી જે જવાનો પોતાના મૂળ વતનથી દૂર અન્ય તાલુકા કે શહેરમાં સેવાઓ આપે છે, તેમને રહેવા કે અન્ય વ્યવસ્થા તેમજ રોજિંદા આવવા-જવાના ભાડા પાછળ મોટો આર્થિક બોજ સહન કરવો પડે છે. પરિણામે, જવાનો સામે "રોજિંદા મુસાફરીનો કે રહેઠાણનો ખર્ચ ભરે કે પોતાના પરિવારનું ગુજરાન ચલાવે?" તેવો વિકટ પ્રશ્ન ઊભો થયો છે.
આ માનવીય અને ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને, હ્યુમન રાઈટ્સ ફેડરેશન દ્વારા મહેસૂલ વિભાગ સમક્ષ તા. ૦૩/૧૧/૨૦૨૬ ના રોજ લેખિત પત્ર પાઠવવામાં આવ્યો છે. આ સાથે જ, ગુજરાત સરકારના સ્વાગત પોર્ટલ (swagat.gujarat.gov.in) પર પણ ઓનલાઇન રજૂઆત કરવામાં આવી છે, જેની અરજી (Grievance ID: TS/2026/25540) હાલમાં પેન્ડિંગ છે.
સંસ્થા દ્વારા સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે બહારગામથી સેવા અર્થે આવતા તમામ GRD જવાનો તથા સંબંધિત ફિલ્ડ કર્મચારીઓને તાત્કાલિક ધોરણે તેમના મૂળ વતન અથવા રહેઠાણની સૌથી નજીકના વિસ્તારમાં યોગ્ય જગ્યા ફાળવવામાં આવે, જેથી તેમનો બિનજરૂરી આર્થિક ભાર અટકે અને તેમને રાહત મળી શકે.
આ મહત્વપૂર્ણ રજૂઆતની નકલો માનનીય રાજ્યપાલશ્રી તથા માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ સવિનય મોકલવામાં આવી છે, જેથી જવાનોના હિતમાં વહેલી તકે સકારાત્મક વહીવટી નિર્ણય લેવામાં આવે.
— મહેન્દ્ર આયલાણી
અંતરરાષ્ટ્રીય પ્રમુખ,
હ્યુમન રાઈટ્સ ફેડરેશન
03 Nov 2026
ગ્રામ રક્ષક દળ (GRD) ના બહારગામના જવાનોને વતન નજીક યોગ્ય જગ્યા ફાળવવા બાબતે હ્યુમન રાઈટ્સ ફેડરેશન દ્વારા મહેસૂલ વિભાગ અને સ્વાગત પોર્ટલ પર ઉચ્ચસ્તરીય રજૂઆત.