અમદાવાદ:
GRD જવાનોના ચૂંટણી ભથ્થા અંગે હ્યુમન રાઇટ્સ ફેડરેશનની રજૂઆત રંગ લાવી: ટૂંક સમયમાં રાજકોટના GRD જવાનોને મળી શકે છે ચૂંટણી ભથ્થું!
ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ તેમજ આપત્તિ વ્યવસ્થાપન જેવા પ્રસંગોએ પોલીસ વિભાગની સાથે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા ગ્રામ રક્ષક દળ (GRD) જવાનોના હિત અને કલ્યાણ અર્થે હ્યુમન રાઇટ્સ ફેડરેશન દ્વારા રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ સત્તાવાર રજૂઆત કરવામાં આવી છે.
મહેન્દ્ર આયલાણી, પ્રમુખ - હ્યુમન રાઇટ્સ ફેડરેશન દ્વારા રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં ચૂંટણી તેમજ વિશેષ ડ્યુટી દરમિયાન ફરજ બજાવતા GRD જવાનોને ગુજરાત સરકારના પરિપત્ર મુજબ મળવાપાત્ર ફૂડ/રિફ્રેશમેન્ટ ભથ્થું ચૂકવવા તથા તેનો અમલ કરવા બાબતે કરવામાં આવેલી રજૂઆતને ધ્યાને લઈને પોલીસ મહાનિર્દેશક (DGP) કચેરીની આઈ બ્રાન્ચ (I-Branch) દ્વારા સક્રિય પગલાં લેવામાં આવ્યા છે.
ડીજીપી કચેરી દ્વારા આ બાબતે યોગ્ય તપાસ કરી નિયમોનુસાર ચૂંટણી ભથ્થું ચૂકવવા માટે રાજકોટ પોલીસ કમિશનર, રાજકોટ રેન્જ આઈજીપી અને જૂનાગઢ આઈજીપી કચેરીને સત્તાવાર આદેશ તથા પત્રો મોકલવામાં આવ્યા છે. વહીવટી તંત્ર અને પોલીસ વિભાગની ઉચ્ચ કચેરીઓ દ્વારા આ બાબતે સત્વરે હકારાત્મક પગલાં લેવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
29 Oct 2026
GRD જવાનોના ચૂંટણી ભથ્થા અંગે હ્યુમન રાઇટ્સ ફેડરેશનની રજૂઆત રંગ લાવી: DGP કચેરીની આઈ બ્રાન્ચ દ્વારા રાજકોટ પોલીસ કમિશનરને તપાસ તથા યોગ્ય કાર્યવાહી અર્થે આદેશ